પંખીડાને આ પીંજરુ…
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ રાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
માન માન ઓ પંખીડા નથી રે સાજન ની રીત
આવુ જો કરવુ હતુ તો નહોતી કરવી પ્રિત
ઓછુ શુ આવ્યુ સાથી સથવારો ત્યાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
- શ્રી અવિનાશ વ્યાસ

Leave a Reply