header image
 

દિવસો જુદાઈના જાય છે…

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી…

ન ધરા સુધી,ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,
ફકત આપણે તો જવુ હતું,  હર એકમેકના મન સુધી…

હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લઇ જશો ન ગગન સુધી…

છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન રહી શકાય જીવન સુધી…

તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી…

તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે અંગ રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી…

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી…

- શ્રી ગની દહીંવાલા

~ by musicianrakshitshah on May 8, 2008.

Leave a Reply